ચાંદીપુરમ નામના વાયરસથી ૪ બાળકોના મોત : જીલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ
ખેડબ્રહ્મા - ૧, ભિલોડા - ૨ અને રાજસ્થાન - ૧ બાળકનો સમાવેશ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરમ વાયરસથી ચાર બાળકોનો મોત નિપજતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત બાળકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. હિંમતનગર સિવિલ
હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ૪ બાળકો મોત ને ભેટ્યા છે. જેમાં અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામના ૨, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકા દીગથલી ગામનો ૧ બાળક અને રાજસ્થાનથી સારવાર લેવા માટે આવેલ ૧ બાળકનો સમાવેશ થાય છે.
અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોટા કંથારીયા ગામમાં ટીમો ઉતારી દઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે ધનસુરા અને મેઘરજ પંથકમાં પણ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના એક-એક દર્દી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.
ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ વધુ એક જીવલેણ વાયરસે દેખા દેતા લોકોમાં દહેશત પેદા થઈ છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોત નિપજ્યા છે. એક સાથે ચાર બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોત નિપજતા ખળભળાટ મચ્યો છે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર બાળકોને ચાંદીપુરમ વાયરસ ભરખી ગયો છે પણ હાલ તંત્ર કંઈ પણ બોલવા તૈયાર નથી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક બાળ દર્દી સારવાર હેઠળ છે. અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ૧ પાંચ વર્ષીય અને ૧ દોઢ વર્ષીય બાળકનુ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવાની સાથે સર્વેની કામગીરી હાથધરી છે સમગ્ર પંથકમાં હાઈગ્રેડ તાવના લક્ષણ ધરાવતા દર્દીઓના સર્વેની કામગીરી શરુ કરી છે.
ચાંદીપુરમ વાયરસ માટીના લીંપણ ઘરાવતા ઘરમાં ફેલાવવાની સંભાવના વધુ રહેલી છે લીંપણની તિરાડમાં રહેતી માંખીથી ચાંદીપુરમ વાયરસ ફેલાતો હોવાથી માંખીનો ઉપદ્રવ વધુ હોય તેવા ઘરોમાં માંખીનો નાશ થાય તે માટે દવાનો છંટકાવ કરવાની સાથે લીંપણ ઉખેડી નાંખી તિરાડો પુરી દેવી જોઈએ. આ વાયરસમાં બાળકોને બાળકોને તાવ વધુ આવે છે અને મગજનો સોજો આવતો હોવાનું તબીબે જણાવ્યું હતું.