ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના પોશીના અને આંબા મહુડા ગામે જીલ્લા પ્રભારી સચિવ એસ.મુરલી ક્રિષ્નન અને જીલ્લા કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના પોશીના અને આંબા મહુડા ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની “મેરી કહાની મેરી ઝુબાની” અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની 100 ટકા નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં ગામના રમતવીરોનુ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
શાળાના બાળકોએ “ધરતી કરે પુકાર” નાટક રજૂ કરી પોષણ, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના અલગ અલગ રાજ્યના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જયારે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ સંકલ્પ યાત્રામાં ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પોશીના તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી, પોશીના તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી, કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.