ધોલવાણી રેન્જ ફોરેસ્ટ કચેરી દ્રારા નિ:શુલ્ક વાંસ વિતરણ કરાયા
જંગલનુ સંવધઁન કરવુ એ આપણી નૈતિક ફરજ છે : જે.આર.વાઘેલા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
વિજયનગર તાલુકાના ધોલવાણી રેન્જ દ્વારા ખેરવાડા ગામના જરૂરિયાતમંદ લોકોને રેન્જ ફોરેસ્ટર જે.આર.વાઘેલાની અધ્યક્ષતા હેઠળ નિ:શુલ્ક વાંસ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
સાબરકાંઠા વન વિભાગ હેઠળની વિજયનગર તાલુકાના ધોલવાણી રેન્જમાં ચાલુ વર્ષે ખેરવાડા ગામના જંગલ વિસ્તારમાં વાંસ સુધારણાની કામગીરી કરી કુદરતી વાંસના
ઝૂંડમાંથી સૂકા વાંકા-ચુંકા અને સડી ગયેલા ઉપરાંત ચાર વર્ષ કરતા વધુ સમયના પરિપક્વ સારા વાંસની વળીઓ પદ્ધતિસર કાપીને જંગલ વિસ્તારની બહાર કુલ ૧૩૭૦૦ (તેર હજાર સાતસો) જેટલી વાંસની વળીઓ એકત્રિત કરવામાં આવી હતી.
જે સાબરકાંઠા જીલ્લાના વન અધિકારી હર્ષ જે. ઠક્કર દ્રારા ખેરવાડા ગામના જંગલ વિસ્તારની આજુબાજુ વસવાટ કરતા જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યથી વિતરણ કરવાની સૂચના અન્વયે મદદનીશ વન સંરક્ષક વી.આર.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ખેરવાડા ગામમાં વાંસ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં ધોલવાણી રેન્જ ફોરેસ્ટ ઓફીસર જયેન્દ્રસિંહ વાઘેલા તથા ખેરવાડા ગામના આગેવાન રામજી મુખી, દિતાજી, લાલજીભાઈ, લક્ષ્મણભાઈ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાની જરૂરિયાત મુજબ વાંસની વળીઓ વિતરણ કરાઈ હતી.
ધુળાજી સોલંકી લાભાથીઁ ખેરવાડા
જેમાં કેટલાક લાભાર્થીઓએ પોતાને વિના મૂલ્યથી વાંસની વળીઓ મળવાના કારણે તેઓ પોતાનું પડી ગયેલુ મકાન રિપેર કરાવી શકશે એની ખુશી વ્યક્ત કરીને વન વિભાગનો આભાર માન્યો હતો.
સવિતાબેન સડાત લાભાથીઁ ખેરવાડા
આ વાંસ વિતરણ દરેક લાભાર્થીના આધારકાર્ડ નંબરની નોંધ કરી વિના મૂલ્યથી આપવામાં આવેલ હતા. તેમજ આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને જંગલોનું મહત્વ સમજાવી તેમાંથી મળતા લાભ અંગેની માહિતી આપી જંગલોનું બિન અધિકૃત દબાણ અને દવથી રક્ષણ કરવા વન વિભાગના સહયોગી બની જંગલોનું સંવર્ધન કરવા જણાવ્યુ હતુ. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ધોલવાણી રેન્જના તમામ સ્ટાફ અને ખેરવાડા રાઉન્ડના ફોરેસ્ટર પી.એ.ઠાકોર ધ્વારા કરવામાં આવ્યું હતું.