કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે પૂર્વ ટીપીઓ સાગઠીયા
સંબંધીઓના નામે ખરીદેલી મિલકતની વિગતો આવી સામે
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : રાજકોટ (સ્ત્રોત)
પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા સહિત ટી.પી.ના અધિકારીઓ લાંબા સમયથી બિલ્ડીંગ પ્લાન મંજુર – નામંજૂર કરવો, ગેરકાયદેસર બાંધકામની નોટિસ આપવી અને તેનો અમલ કરવો કે ન કરવો સહિતનો વહીવટ રૂપિયાથી જ કરતા હતા. કોર્પોરેશનમાં મોટી સત્તા ધરાવતા ટી.પી.ઓ.ની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ગુનામાં ધરપકડ કરીને પોલીસે પૂછપરછ કરી છે ત્યારે એકબાદ એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.
મનસુખ સાગઠીયા અને તેના ભાઈઓની કરોડોની મિલકત એક બાદ એક બહાર આવી છે. મનસુખ સાગઠીયા સગા સબંધીઓ અને ભાઈઓના નામે મિલકત ખરીદી કરતો અને કુલ મુખત્યારનામુ પોતાના નામે કરાવી લેતો. ઉપરાંત સાગઠીયાએ રાજકોટ ના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટવિન સ્ટારમાં ઓફિસ ખરીદી હતી. પોતાના ભાઈના નામે ખરીદી કરીને પોતાના નામે કુલમુખત્યારનામુ કરાવ્યુ હતુ. જોકે મહાનગરપાલિકાએ નોટિસ મારી છે છતાં ઓફિસ ખોલી નાખવામાં આવી હતી. 54 લાખ રૂપિયાની ઓફિસનો દસ્તાવેજ છે આ ઓફિસની કિંમત ઘણી ઉંચી છે.
સાગઠીયાની ઓફિસનો રૂ. 67,000 જેટલો વેરો પણ બાકી છે. મનસુખ સાગઠીયાની લાખો રૂપિયાની ઓફિસ રાજકોટના હાઈ પ્રોફાઈલ બિલ્ડીંગમાં છે. અહીં સ્ક્વેર ફૂટના ભાવ 11 હજાર રૂપિયા છે. 800 સ્ક્વેર ફૂટ અને એટલે કે 90 લાખ રૂપિયાની ઓફિસની કિંમત છે. આ ઉપરાંત સાગઠિયાનું ફાર્મ ગાઉસ અને અંદાજે 8 કરોડ રૂપિયાનો બંગલો હોવાનું પણ સામે આવ્યુ છે.