જીલ્લા પંચાયત સદસ્ય તથા ખેડબ્રહ્મા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે ધડામ કરતાં રાજીનામાં ધરી દીધાં
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા માકેઁટયાડઁની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આજે બીજી ટર્મ માટે જીલ્લા રજીસ્ટ્રાર મહેસાણાની ઉપસ્થિતિમાં ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં માકેઁટયાડઁના ચેરમેન તરીકે હિરાભાઈ લવજીભાઈ પટેલ (આંટા કંપા) બિનહરીફ ચુંટાઈ આવતાં અન્ય ડિરેક્ટરોએ અભિનંદન આપ્યા હતા.
પણ ચુંટણી સંપન્ન થયા બાદ ખેડબ્રહ્મા માકેઁટયાર્ડ ના વતઁમાન ચેરમેન અને પોશીના તાલુકામાં જીલ્લા પંચાયતની દંત્રાલ સીટ પરથી ચુંટાયેલ અમૃતભાઈ શાંમળભાઈ પટેલે જીલ્લા પંચાયતના સભ્ય તથા ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને રાજીનામુ મોકલી આપીને નારાજગી વ્યક્ત કરી હતી.
અમૃતભાઈએ રાજીનામા પત્રમાં ઉલ્લેખ કરતાં જણાવેલ કે હિરાભાઈ પટેલ મૂળ કોંગ્રેસી છે અને માકેઁટયાર્ડ માં ડિરેક્ટર તરીકે જોડાવા માટે અઢી વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા.માકેઁટયાર્ડમાં ભાજપના સિનિયર આગેવાનોની અવગણના કરી કોંગ્રેસમાંથી આવેલ હિરાભાઈને મેન્ડેટ કેમ આપવુ પડ્યુ ? આમ સાબરડેરી વખતે પણ મોટા ભાગના કોંગ્રેસીઓને આપેલ છે આમ ભાજપના સંનિષ્ઠ કાયઁકરોની અવગણના કેમ થાય છે તેમ કહી બળાપો કાઢ્યો હતો.
જ્યારે ખેડબ્રહ્મા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પણ માકેઁટયાર્ડની ચુંટણીમાં ભાજપના સિનિયર આગેવાનોની અવગણના કરી વિરોધી ઉમેદવારને ચેરમેનનુ મેન્ડેટ આપતાં પોતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી તેમજ યુવા મોરચાના હોદ્દા પરથી રાજીનામુ ધરી દીધુ હતુ.
આમ હાલ સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં માકેઁટયાર્ડના નવા ચેરમેન સાથે જૂના ચેરમેને રાજીનામુ આપતાં રાજકીય ભૂકંપ આવતાં સમગ્ર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે માકેઁટયાર્ડના ચેરમેનની ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે હિરાભાઈ પટેલની દરખાસ્ત વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે કરી હતી જ્યારે વતઁમાન ચેરમેન અમૃતભાઈ પટેલે ટેકો આપ્યો હતો.
જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલને રાજીનામાની વિગતો પુછતાં તેમણે જણાવેલ કે હજુ રાજીનામા પત્રો હજુ અમને મળ્યા નથી.