ટાઈમ્સ ઑફ સાબરકાંઠા (સ્ત્રોત)
ન્યુ દિલ્હી : માતાના દૂધને અમૃત સમાન માનવામાં આવે છે. માતાના દૂધના વેચાણના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ફૂડ રેગ્યુલેટરી બોડી FSSAIએ બાબતોની નોંધ લેતાં કહ્યું કે, માતાનુ દૂધ વેચી શકાય નહીં. નિયમનકારે ફૂડ બિઝનેસ ઓપરેટરોને ચેતવણી આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
FSSAIએ લાયસન્સિંગ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ માતાના દૂધ અથવા માનવ દૂધની પ્રક્રિયા અને વેચાણ માટે મંજૂરી ન આપે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ આ સૂચના એવા સમયે આપી છે જ્યારે ફરિયાદો આવી રહી છે કે કેટલીક સંસ્થાઓ ખુલ્લા બજારમાં માતાનું દૂધ વેચી રહી છે.
FSSAIએ 24 મેના રોજ ‘માનવ દૂધ અને તેના ઉત્પાદનોના અનધિકૃત વ્યાપારીકરણ’ અંગે એડવાઇઝરી જારી કરી હતી. ફૂડ રેગ્યુલેટરે એડવાઈઝરીમાં જણાવ્યુ હતુ કે માનવીય દૂધ અને તેના ઉત્પાદનોના વ્યાપારીકરણ અંગે વિવિધ રજિસ્ટર્ડ સોસાયટીઓ તરફથી રજૂઆતો મળી રહી છે. FSSAIએ માનવ દૂધના પ્રોસેસિંગ કે વેચાણ માટે પરવાનગી આપી નથી.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનરોને જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં એવી પણ સલાહ આપી છે કે માનવ દૂધ અને તેના ઉત્પાદનોના વ્યાપારીકરણને લગતી આવી તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવામાં આવે નહી તો એફએસએસ એક્ટ 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમો અનુસાર નિયમોનુ ઉલ્લંઘન કરનારા FBOs (ફૂડ બિઝનેસ ઑપરેટર્સ) સામે પગલાં લઈ શકાય છે.
FSSAI એ રાજ્ય અને કેન્દ્રીય લાયસન્સિંગ સત્તાવાળાઓને ખાતરી કરવા જણાવ્યુ છે કે માતાના દૂધના પ્રોસેસિંગ અથવા વેચાણ સાથે સંકળાયેલા FBOsને લાઇસન્સ આપવામાં આવે નહી.