સુરત શહેરના પત્રકારો માટે હેલ્થ કેમ્પ યોજાયો
સુરત મીડિયા વેલ્ફેર એસો. દ્વારા એડવોકેટ પ્રતિભા દેસાઈનું સન્માન કરાયુ
પ્રતિનિધિ, સુરત
સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડીયાક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી અત્યાર સુધી લગભગ 40 કરતાં વધુ પત્રકાર મિત્રોએ પોતાના આરોગ્યનું ચેકઅપ કરાવી ચૂક્યા છે. આજના સમયમાં હૃદય રોગના બનાવો જ્યારે વધી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં જ સુરતના એક પત્રકાર આનંદ પટનીના આકસ્મિક નિધન બાદ મીડિયા કર્મીઓમાં ઘેરા શોક ની લાગણી જોવા મળી રહી હતી.
લોકોની સમસ્યાઓ માટે રાત દિવસ દોડતા રહેતા પત્રકારો પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી શકતા નથી ત્યારે સ્વર્ગીય આનંદ પટનીના નિધન બાદ એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશન આ હેલ્થ ચેકઅપ કરવાની વિચારણા કરી હતી. જેમાં આ કેમ્પ નો લાભ દરરોજ સુરતની મહાવીર કાડીઁયાક હોસ્પિટલમાં સુરતના મીડિયા કર્મીઓ લઈ રહ્યા છે. ત્યારે આજે એડવોકેટ પ્રતિભા દેસાઈનું સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશન દ્વારા આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે. જેથી આગામી દિવસોમાં પણ મીડિયા કર્મીઓ માટે તેઓ પોતાનો આ રીતે સહયોગ આપતા રહેશે તેવી ખાતરી પણ આપી હતી.