કૃષિ ટેકનોલોજી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં ખેડૂત કાર્યક્રમ યોજાયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા અને કૃષિ યુનિવર્સિટી ખેડબ્રહ્મા ખાતે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ અંતર્ગત ખેડૂત તાલીમનુ આયોજન સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતુ. 

સાંસદે અધ્યક્ષીય સંબોધનમાં સરકારની ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂત ભાઈ-બહેનોને સીધા તેમના ખાતામાં દર ચાર મહીને રૂ. ૨૦૦૦/- જમા થાય છે. જે તેમને ખેતીમાં જરૂરી ઈનપુટસ ખરીદવા ખુબ જ ઉપયોગી નીવડે છે. સરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે. આપણા પ્રધાનમંત્રી જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતના ખેતર સુધી પહોચતા કર્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.જે. મિસ્ત્રીએ કાર્યક્રમની રૂપરેખા આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં ડૉ.એ.જી. પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામક સ.દાં. કૃષિ યુનિવર્સિટી સરદારકૃષિનગર દ્વારા ખેડૂત ભાઈ-બહેનોને પાણી તેમજ ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ તબક્કે ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અંગે ખેડૂત ભાઈ બહેનો માટે વિવિધ કાર્યક્રમો યોજવા જણાવ્યુ હતુ.

જીલ્લા પંચાયત સદસ્ય અને ખેતીવાડી સમિતીના ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણે સરકારની વિવિધ યોજનાઓનો ખેડૂત આઈ પોર્ટલ મારફત લાભ લેવા જણાવી ખેડૂત અકસ્માત વીમો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃષિ સાહિત્યનુ વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ડૉ. પ્રિયંકા ખરાડી, એ.પી.એમ.સી.ના ચેરમેન પટેલ હીરાભાઈ લવજીભાઈ, વનબંધુ કૃષિ પોલીટેકનીકના ડૉ.આર. એમ. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક તેમજ ૧૭૦ ખેડૂત ભાઈ-બહેનો કર્મચારીશ્રીઓએ સહભાગી થઇ સફળ બનાવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!