શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ : તા.૧૨ સપ્ટેમ્બરથી શરૂ થશે માઁ આદ્યશક્તિનો ભાદરવી પૂનમ મહામેળો
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રથમ મિટિંગ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ માં અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં માં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમ્યાન દર્શનાર્થે
આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનુ આયોજન કરાયુ છે. જેમાં આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કલેકટરે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. કલેકટરે અધિકારીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, તેવી જ રીતે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનુ આયોજન કરીએ.
આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ, નિ:શુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, CCTV કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીઓને અવગત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ, પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી અદિતિ વર્સને, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.