રાષ્ટ્રીય

નાયડુની દબાણની વ્યૂહનીતિ શરૂ ! વડાપ્રધાનને સોંપી માગણીઓની લાંબી યાદી : મંત્રીઓ ટેન્શનમાં

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા (સ્ત્રોત)

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બે દિવસીય દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુરુવારે (ચોથી જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ માંગ કરી કે આંધ્ર પ્રદેશ માટે અલગ બજેટ ફાળવવામાં આવે. આ ઉપરાંત અલગ-અલગ મંત્રાલયોએ પણ તેમના પ્રોજેક્ટ્સમાં આંધ્ર પ્રદેશને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા મંત્રીઓને મળ્યા હતા.

એનડીએ સરકારમાં મોટો હિસ્સો ધરાવતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ જાણે છે કે,આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે તેમ નથી. એવામાં તેમની માંગ વિશેષ પેકેજની સામે આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તેમણે આંધ્ર પર 13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ મુદ્દો વડાપ્રધાન મોદી સામે ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, ‘અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન આવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે રાજ્યમાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું ન હતું. મોદી સરકારે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે પણ પેન્ડિંગ ફંડ બહાર પાડવું જોઈએ.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મોટી માંગ અમરાવતીને રાજધાની તરીકે તૈયાર કરવાની હતી. તેના માટે ભંડોળની અછત છે. તેથી જો મોદી સરકાર તરફથી મદદ મળશે તો આ કામ ઝડપથી પૂર્ણ થશે. આ સિવાય તેમણે રાજ્યમાં રસ્તા, ડેમ, પુલ અને સિંચાઈ પ્રોજેક્ટના ઝડપી વિકાસ માટે અલગ પેકેજની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ‘જે રીતે સરકારે બુંદેલખંડ માટે એક અલગ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને વિશેષ પેકેજ જારી કર્યું. તેવી જ રીતે આંધ્ર પ્રદેશનો પણ વિચાર કરવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ચંદ્રબાબુ નાયડુએ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં હાઈવેના વિકાસ માટે ફંડની માંગણી કરી હતી. નીતિન ગડકરી સમક્ષ અનેક પ્રોજેક્ટ્સની બ્લુપ્રિન્ટ્સ પણ રજૂ કરવામાં આવી હતી. આટલું જ નહીં, ત્યારબાદ તેમણે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે પણ વાત કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આજે (પાંચમી જુલાઈ) કેટલાક અન્ય મંત્રીઓને પણ મળશે. 

Related Articles

Back to top button
error: Content is protected !!