રાજ્ય ચૂંટણી પંચની તમામ જીલ્લા કલેક્ટરો સાથે આજે 4 વાગ્યે બેઠક
લોકસભા ચૂંટણી અંતર્ગત યોજાશે બેઠક
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આવતીકાલે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. જાણવા મળી રહ્યું છે.
આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આમાં ગુજરાતની છ વિધાનસભા બેઠકો માટે પણ તારીખ જાહેર કરવામાં આવશે. સાથે સાથે તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આગામી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયારીઓ કરી લીધી છે.
લોકસભા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે આજે સાંજે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરવાનું આયોજન કર્યું છે. રાજ્યના ચૂંટણી કમિશનર પી.ભારતી તમામ જિલ્લા કલેક્ટરો સાથે માહિતી મેળવશે. ગુજરાતમાં ચૂંટણીને લઈ તંત્રની તૈયારી કરવામાં આવી છે અને તેની આ કોન્ફરન્સમાં માહિતી મેળવવામાં આવશે.
ચૂંટણી માટે દરેક જિલ્લામાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ નોડલ અધિકારીઓ આચારસંહિતા લાગુ કરશે. તેમજ ચૂંટણી પહેલા રાજ્યમાં કુલ 460 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જ્યારે 1.32 લાખ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે.
સાથે સાથે હથિયારો જમા કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયાના દુરુપયોગ પર પણ નજર રાખવામાં આવી રહી છે. દારૂની હેરાફેરી અટકાવવા સૂચના આપવામાં આવી છે અને ચૂંટણી સંબંધિત ગુનાઓ પર સતર્ક વોચ રાખવામાં આવી છે.