કેન્દ્રીયમંત્રી ડૉ.વિરેન્દ્રકુમારની અધ્યક્ષ પદે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો
કુલ ૧૨૧૫ લાભાર્થીઓને રૂ.૧.૨૮ કરોડના રર પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરાયુ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આજે સમગ્ર દેશના ૨૦ સ્થળો ઉપર નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો જે પૈકી સાબરકાંઠા જીલ્લામાં કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં હિંમતનગરની બહેરા મુંગા શાળામાં નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની એડીપ યોજના હેઠળ ભારતીય કૃત્રીમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) ભારત સરકારનુ સાહસ છે. જે દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ અંગો અને દિવ્યાંગતામાં સહાયક બને તેવા સાધનોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે.
સાબરકાંઠા જીલ્લાના તમામ તાલુકાઓમાં એલીમ્કો અને જીલ્લા વહિવટી તંત્ર દ્વારા કૂલ ૧૫ મૂલ્યાંકન કેમ્પો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુલ ૩૦૪૭ દિવ્યાંગજનો હાજર રહ્યા હતા. તેમની દિવ્યાંગતા પ્રમાણે વિવિધ સાધન સહાય મંજુર કરવામાં આવ્યા હતા. જે માટેનો વિતરણ કેમ્પ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી વીરેન્દ્રકુમારે જીલ્લાવાસીઓને કેમ છો.. મજામાં છો… કહી સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસમાં તમામ વર્ગોનો સહિયારો સાથ રહ્યો છે. દિવ્યાંગ લોકોમાં અપાર શક્તિ સાથે કૌશલ્ય છુપાયેલુ હોય છે. આ શક્તિને બહાર લાવવા સૌ કોઈએ સાથે મળી પ્રયત્ન કરવા જોઈએ. નવીન સાધન સહાય દિવ્યાંગજનોની દિવ્યાંગતામાં મદદરૂપ સાબિત થશે. આ સાધન સહાય થકી દિવ્યાંગજનો આત્મ સ્વાવલંબી બન્યા છે. આત્મનિર્ભર દિવ્યાંગજન થકી સમાજ સાથે દેશ પણ આત્મનિર્ભર બન્યો છે.
વધુમાં તેમને ઉમેર્યું હતું કે સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના સામાજિક-આર્થિક પરિવર્તન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે ભારત સરકાર સાર્વત્રિક સુલભતા માટે મોટા પાયે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે.સુલભ ભૌતિક વાતાવરણ, પરિવહન, માહિતી અને સંચાર ઈકો સિસ્ટમ વિકસાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં સાંસદ દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને જીલ્લા કલેક્ટર નૈમેષ દવેએ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતુ અને હાજર રહેલા દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે વિવિધ અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.