ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવામોટા ગામથી રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.
સમગ્ર રાજ્યમાં આગામી 26 જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાનાર છે. ખેડબ્રહ્મા તાલુકાના નવામોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્સાહભેર આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજયસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે સરકારશ્રીએ જન્મ થી લઈને મૃત્યુ સુધીની અનેકવિધિ લોકકલ્યાણની યોજનાઓ અમલી બનાવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘર આંગણે યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ લોકો યોજનાઓનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
કાર્યક્રમ સ્થળે વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી વંદનાબેન પરમાર, ટીડીઓ એમ.આઈ.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અમલીકરણ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.