
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરૂદ્વ આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજપૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાના વિરોધ સાથે ભાજપનો પણ વિરોધ થવા લાગ્યો છે ત્યારે જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજે પૂનમ માડમને સમર્થન આપવાની વાત કરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતા 10 જેટલા ગામોના આગેવાનો દ્વારા જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ગઈકાલે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ધ્રોલ તાલુકામાં મુખ્ય વર્ચસ્વ ધરાવતા ધ્રોલ, મોટા વાગુદડ, નાના વાગુદડ, સણોસરા, ખાખરા દેડકદડ, રોજીયા, જાબેડા, હાડાટોડા અને ખીજડીયા સહિતના 10 જેટલા ગામોના રાજપૂત સમાજના આગેવાનોએ સાંસદ પૂનમ માડમને સમર્થન આપ્યું છે.ક્ષત્રિય સમાજના નેતાએ જણાવ્યું હતું કે ભાજપનો વિરોધ છે એનો મતલબ એ નહીં કે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવું. કોંગ્રેસના ઉમેદવારને પણ રાજપૂત સમાજના આ 10 ગામના આગેવાનો અને લોકો મતદાન નહીં કરે તે બાબત જાહેર કરવામાં આવી હતી. જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેનન માડમે રાજપૂત સમાજના આ નિર્ણયને આવકાર્યો હતો.