૧૫ નવેમ્બરે ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે
હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઈ
સાબરકાંઠા જીલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૫ નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ખેડબ્રહ્મા ખાતે આવેલી કે.ટી. હાઈસ્કૂલમાં યોજાશે. કાર્યક્રમના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

સાબરકાંઠામાં આગામી ૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન જનજાતીય સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

આ ઉજવણીના ભાગરૂપે ૧૩ નવેમ્બરના રોજ જનજાતીય યુવા સભા યોજાશે. જ્યારે ૧૪ નવેમ્બરના રોજ જનજાતીય મહાપુરુષોના સ્મારકો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત સાધુ-સંતોનું સન્માન, ગ્રામ પંચાયત તથા જાહેર સ્થળોએ ભગવાન બિરસા મુંડાજીના ફોટાની સ્થાપના, તેમના ગૌરવશાળી ઇતિહાસનું વર્ણન, આરતી, દીપોત્સવ અને ભજન-કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે. ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય કાર્યક્રમ યોજાશે.

ત્યારબાદ ૧૬ નવેમ્બરના રોજ જનજાતીય સમાજના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાશે. જેમાં નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો, પ્રતિષ્ઠિત મહિલાઓ અને પ્રગતિશીલ ખેડૂતો સહિતના આગેવાનો ભાગ લેશે. આ સંમેલનમાં જનજાતીય સમાજના વિકાસ માટે સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

૧૭ નવેમ્બરના રોજ પરંપરાગત અને વિસરાતી જતી ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા રમતોત્સવનું આયોજન કરાશે. જેમાં ગિલ્લી-દંડા, કોથળા દોડ, લખોટી, સાતોડિયું, તીરંદાજી, ભમરડો, દોરડા ખેંચ, કબડ્ડી, ખો-ખો સહિતની વિવિધ પરંપરાગત રમતો યોજાશે, જ્યારે ૧૮ નવેમ્બરના રોજ જનજાતીય મહિલાઓની સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં મહિલાઓને લગતી વિવિધ સરકારી યોજનાઓની જાણકારી, યોજનાકીય લાભ મેળવનાર મહિલાઓના અનુભવો તેમજ પ્રગતિશીલ મહિલાઓના પ્રેરણાદાયી મંતવ્યો રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી પલક ત્રિવેદી સહીત અન્ય પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.