ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કિશોરસિંહ ચારણના માર્ગદર્શન હેઠળ માનવસેવા, સામાજિક જવાબદારી અને લોકભાગીદારીની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી તાલુકા આરોગ્ય કચેરી, ખેડબ્રહ્મા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, હિંમતનગરની બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ ૨૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવતાની સેવા અને સામાજિક સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવા રક્તદાન કેમ્પ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ કેમ્પને સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી કે.એમ.ડાભી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજનબદ્ધ અને ઉત્સાહપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારીએ તમામ રક્તદાતાઓ, સહયોગી સંસ્થા અને આયોજનમાં જોડાયેલા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ નાગરિકોને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરવા અને આ સેવાયજ્ઞમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જનજાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.